રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી |
આ ચૂંટણી નિમિત્તે આ હોદ્દે અગાઉ બિરાજી ગયેલા મહાનુભાવોને
યાદ કરવાનો ઉપક્રમ તો છે જ, પણ એથી
વધુ રસપ્રદ કવાયત આ હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી હોય અને પરાજય થયો હોય એવા ઉમેદવારોની
વાત કરવાનો છે. દેશના સર્વોચ્ચ બંધારણીય સ્થાને
પહોંચેલા મહાનુભાવોને સહુ જાણે છે. પરંતુ હારેલા ઉમેદવારો કે જેમણે આ પદ પરબારું કોઈને
મળી જાય તે પહેલાં ચૂંટણીના મેદાનમાં આવવાનો પડકાર ફેંક્યો કે ઝીલી લીધો તેમની પણ યથાયોગ્ય
નોંધ લેવાનો આશય છે.
પરાજિત
થયેલા આ ઉમેદવારો ચૂંટાયા હોત તો શું થાત એની અટકળ કરવાની મહેનત કરવા જેવી નથી. કેમ કે
ચૂંટાયેલા ઉમેદવારોએ આ હોદ્દે રહીને શું કર્યું છે એ સહુ જાણે છે. આ કવાયતમાં અનાયાસે
કેટલાંક રસપ્રદ તારણો પણ નીકળે છે.
સૌથી પહેલાં તો ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના જાહેર કરાયેલા
કાર્યક્રમ પર નજર નાંખીએ જેના પ્રથમ ચાર તબક્કા પસાર થઈ ગયા છે અને મતદાનના દિવસની
રાહ જોવાય છે.
જાહેરનામું પ્રસિદ્ધ થશે - 16 જૂન 2012 (શનિવાર)
ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ - 30 જૂન 2012 (શનિવાર)
ઉમેદવારી પત્રોની ચકાસણી - 2 જુલાઈ 2012 (સોમવાર)
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ - 4 જુલાઈ 2012 (બુધવાર)
જરૂર જણાયે મતદાનની તારીખ - 19 જુલાઈ 2012 (ગુરૂવાર)
મતદાન થયે ગણતરીની તારીખ - 22 જુલાઈ 2012 (રવિવાર)
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે - 25 જુલાઈ 2012 (બુધવાર)
નોંધ: શપથ ગ્રહણની તારીખ જાહેરનામામાં દર્શાવી નથી.
રાષ્ટ્રપતિપદ માટેની આજ સુધીની
એક ડઝન ચૂંટણીઓમાં સૌથી પહેલાં તો ‘મારું ગુજરાત, નંબર વન ગુજરાત’ને શોધવા પ્રયત્ન કર્યો. રાષ્ટ્રપતિ તરીકે તો ઠીક, રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પણ કોઈ ગુજરાતી નામ ક્યાંય દેખાયું
નહીં. પછી ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં તો ‘કીંગમેકર’ની પરંપરા છે.
હા, ગુજરાતની બધી બાબતોની જેમ આમાં પણ એક અપવાદ છે. રાષ્ટ્રપતિ પદ
માટે 1952માં યોજાયેલી પહેલવહેલી ચૂંટણીમાં
એક ગુજરાતી નામે કે.ટી. શાહ – ખીમજી તલકશી શાહે ઉમેદવારી કરી હતી, કચ્છના વતની હતા અને રાજકીય ક્ષેત્રે મુંબઈમાં સક્રિય હતા. વચ્ચે
સિત્તેરના દાયકાની આસપાસ યોજાયેલી એક ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાનું / Gulzarilal Nanda નામ આ પદ માટે ઉમેદવારીની વિચારણામાં લેવામાં આવ્યું હતું ખરું.
પણ નંદાજી મૂળ તો હરિયાણાના હતા. લોકસભામાં ગુજરાતની સાબરકાંઠા બેઠકનું પ્રતિનિધિત્વ
કરતા તેમને આપણે સદાય સવાયા ગુજરાતી તરીકે જ જોયા છે.
15 ઓગસ્ટ 1947ના રોજ
ભારતને સ્વતંત્રતા મળી તેના અઢી વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણની કલમ 56ના ભાગ પાંચમાં ઉલ્લેખાયા પ્રમાણે પદ પર ચૂંટાનાર વ્યક્તિ પાંચ
વર્ષની મુદત માટે આ હોદ્દો સંભાળી શકે છે. આ ચૂંટણીના મત મૂલ્ય સંબંધે ખાસ ધ્યાન એ બાબતે
દોરવાનું કે લોકસભા – રાજ્યસભાના સભ્યોની સાથે જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો વડે
બનતા ઇલેક્ટોરલ કૉલિજ / Electoral College (મતદાર મંડળ)નું મત મૂલ્ય જે તે રાજ્યની વસતી સંખ્યા તેમજ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની બેઠકસંખ્યા સાથે સંકળાયેલું હોય છે.
ભારતમાં દર દસ વર્ષે વસતી ગણતરી થાય છે. સભ્યના અવસાન, રાજીનામા જેવા સંજોગોમાં બેઠક ખાલી પણ હોય. એટલે રાષ્ટ્રપતિપદ
માટેની દર ચૂંટણીએ આ ઇલેક્ટોરલ કૉલિજ અને મત મૂલ્ય બદલાતું રહે છે. વાંચવાની સરળતા
રહે એ માટે જણાવવાનું કે જે તે ઉમેદવારની સાથે કૌંસમાં દર્શાવેલી સંખ્યા તેમને મળેલા
મતોની મૂલ્ય સંખ્યા છે. રાષ્ટ્રપતિનું પદ કોઈ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરતું નથી
પરંતુ ઉમેદવારી અગાઉ તેઓ કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે એ સંદર્ભે કેટલેક
ઠેકાણે મળેલા મતોની સાથે જે તે ઉમેદવારના રાજકીય પક્ષનો અને તેઓ કયા રાજ્યના રહેવાસી
હતા એ ઉલ્લેખ પણ સાથે જ દર્શાવ્યો છે. આ ક્રમમાં પહેલી ચૂંટણી 1952માં યોજાઈ.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ |
બીજી મે 1952ના રોજ યોજાયેલી સૌથી પહેલી ચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારો ઊભા
રહ્યા હતા. આ ચૂંટણીનું મતમૂલ્ય કુલ 6,05,386 મતનું હતું. એટલે કે આટલા મતોમાંથી જેને સૌથી વધુ મત મળે એ સ્વતંત્ર
ભારતના પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ગણાય. ઉમેદવારો હતા કે. ટી. શાહ (અપક્ષ, મુંબઈ, 92827), લક્ષ્મણ ગણેશ થટ્ટે (2672), હરિરામ ચૌધરી (અપક્ષ, પંજાબ, 1954), કૃષ્ણકુમાર ચેટરજી (533)
અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (અપક્ષ, બિહાર). ડૉ.રાજેન્દ્રપ્રસાદને / Dr. Rajendra Prasad સૌથી વધુ 5,07,400 મત મળ્યા અને તે દેશના પ્રથમ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. જો
કે બંધારણ અમલી બનવાના દિવસથી તે આ પદ અગાઉથી સંભાળતા જ હતા.
પાંચ વરસ પછી સાતમી મે 1957ના રોજ બીજી ચૂંટણી યોજાઈ. તેમાં કુલ ત્રણ ઉમેદવારો ઊભા રહ્યા
હતા. કુલ 4,64,370 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં ફરી
એક વાર હરિરામ ચૌધરી (અપક્ષ, પંજાબ, 2672)એ ઝંપલાવ્યું. તેમના ઉપરાંત
નગેન્દ્ર નારાયણ દાસ (અપક્ષ, આસામ, 2000) અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ / Dr. Rajendra Prasad (અપક્ષ, બિહાર) પણ હતા. રાજેન્દ્રબાબુને 4,59,698 મત મળ્યા અને તે વિજેતા જાહેર થયા. સળંગ બે મુદત દરમિયાન પદ
સંભાળ્યું હોય એવા તે એકમાત્ર રાષ્ટ્રપતિ બની રહ્યા. હરિરામ ચૌધરીના મતમાં 718ની ‘વૃદ્ધિ’ થઈ તે
આ ચૂંટણીની એક ફલશ્રુતિ કહી શકાય.
ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન |
ત્યાર પછી આવી ત્રીજી ચૂંટણી, જે સાતમી મે 1962ના રોજ યોજાઈ. આમાં પણ કુલ ત્રણ ઉમેદવારો ઊભા રહ્યા હતા, જેમાં હરિરામ ચૌધરીનો સમાવેશ પણ થતો હતો. કુલ 5,62,945 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં હરિરામ ચૌધરી (અપક્ષ, પંજાબ, 6341) અને યમુના
પ્રસાદ ત્રિશુલિયા (અપક્ષ, 3537) વિરૂદ્ધ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન (અપક્ષ, તામિલનાડુ)ને 5,53,067 મત મળ્યા. મે – 1952થી દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિપદે કાર્યરત એવા ડૉ. રાધાક્રિશ્નન / Dr. Sarvapalli Radhakrishnan વિજેતા જાહેર થયા અને દેશના બીજા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. સતત
ત્રીજી ચૂંટણીના ઉમેદવાર બનીને હારવાની હેટ્રીક કરી ચુકેલા હરિરામ ચૌધરીને આગળની બન્ને
ચૂંટણીમાં મળેલા મતના સરવાળા કરતા પણ વધુ મત મળ્યા.
ડૉ.ઝાકીર હુસેન |
જસ્ટીસ કોકા સુબ્બારાવ |
રાષ્ટ્રપતિપદ સંભાળ્યાના (13 મે 1967) બે વર્ષ
પૂરા કરે તેના દસ જ દિવસ અગાઉ 3 મે 1969ના રોજ
ડૉ. ઝાકિર હુસૈન / Dr.
Zakir Husain અવસાન પામ્યા. પદ પર જ અવસાન પામનારા
તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ બની રહ્યા. તેમના અવસાનને પગલે ઉપરાષ્ટ્રપતિ / Vice-President of India વી.વી. ગીરીએ કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો માત્ર અઢાર દિવસ
માટે સંભાળ્યો. કારણ કે સમય પહેલા આવી પડેલી ચૂંટણીમાં તે ઉમેદવારી કરવા માગતા હતા.
એટલે તેમના સ્થાને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એમ. હિદાયતુલ્લાહે / M.
Hidayatullah પદનો કાર્યભાર છત્રીસ દિવસ માટે
સંભાળ્યો. આગળ જતાં હિદાયતુલ્લાહ સત્તાવાર રીતે ચૂંટણી જીતીને દેશના છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ
પણ બન્યા. આમ હંગામી ધોરણે રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી તેનાથી ઉતરતા પદે ઉપરાષ્ટ્રપતિ
બનનારા હિદાયતુલ્લાહ પહેલા અને આજ સુધીના એકમેવ છે.
વી.વી. ગીરી |
અધવચ્ચે આવી પડેલી આ પાંચમી
ચૂંટણીની વાત આગળ વધારીએ તો ઓગસ્ટ 1969માં યોજાયેલી
ચૂંટણીમાં કુલ પંદર (15) ઉમેદવારો
ઊભા રહ્યા હતા, એટલે કે ગઈ ચૂંટણી કરતા એક ઓછો. કુલ 8,36,337 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ગઈ ચૂંટણીમાં
એક પણ મત નહીં મેળવી શકેલા ચંદ્રદત્ત સેનાનીને આ વખતે લોટરી લાગી હોય એમ 5,814 મત મળ્યા અને એવા જ બીજા ઉમેદવાર હરિરામ ચૌધરીને 125 મત નસીબ
થયા ખરા. એ સિવાય ફુરચરણ કૌર (940), રાજા ભોજ પાંડુરંગ
નાથુજી (831), બાબુલાલ મગ (576), મનોવિહારી અનિરૂદ્ધ શર્મા (125) અને ગઈ
ચૂંટણીમાં 1369 મત મેળવનાર ખુબી રામને આ વખતે માત્ર
94 મત મળ્યા ખરા. ભાગમલ, કૃષ્ણકુમાર ચેટરજી, સંતોષ સિંઘ કચવાહા, ડૉ. રામ દુલાર ત્રિપાઠી ચકોર અને રમણલાલ પુરુષોત્તમ વ્યાસ સહિતના
પાંચ ઉમેદવારોને એક પણ મત મળ્યો નહીં. આ છેલ્લું નામ લાગે છે તો ગુજરાતી પણ તેમના વિશેની
કોઈ વિગત મળતી નથી. કોઈ મિત્ર તેમના વિષે જણાવી શકશે તો આનંદ થશે. મુખ્ય પ્રતિસ્પર્ધી
તરીકે ઉપસી આવેલા નીલમ સંજીવ રેડ્ડી (કોંગ્રેસ, આંધ્રપ્રદેશ, 405427) વિરૂદ્ધ વરાહગીરી વેંકટગીરી (અપક્ષ, મદ્રાસ રાજ્ય)ને 4,20,077 મત મળ્યા. એ રીતે વી.વી.ગીરી / Varahagiri Venkata Giri વિજેતા જાહેર થયા અને દેશના ચોથા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા.
વી.વી.ગીરીના મુખ્ય પ્રતિસ્પર્ધી નીલમ સંજીવ રેડ્ડી / Neelam Sanjiva Reddy આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને
એક અનુભવી રાજકારણી હતા. સિધ્ધાંતના તે એવા પાકા હતા કે રાજકીય હોદ્દો ચૂંટણીની ઉમેદવારી પર હાવી ન થઈ
જાય એટલા માટે તેમણે ઉમેદવારી કરતાં અગાઉ લોકસભાના સ્પીકરપદેથી રાજીનામું ધરી દીધું
હતું. જો કે તેમના રાજકીય અનુભવની કે સિદ્ધાંતની તત્કાલીન વડાપ્રધાન / Prime Minister of India ઇન્દિરા ગાંધીને જાણે કે કોઈ કિંમત જ નહોતી. રેડ્ડીને
કોંગ્રેસ પક્ષનો ટેકો અને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા પછી મતદાન અગાઉના છેલ્લા દિવસોમાં
તેમણે ટેકાના વહાણનું સઢ ફેરવી નાખ્યું. પક્ષના સંસદસભ્યોને ઇન્દિરા ગાંધીએ / Indira Gandhi પોતાના ‘અંતરાત્માના અવાજ’ને અનુસરીને મતદાન કરવાની અપીલ કરી. આ અપીલનો ગર્ભીત અર્થ
અપક્ષ ઉમેદવાર વી.વી. ગીરીને ટેકો જાહેર કર્યાનો હતો.
|
રેડ્ડી ચૂંટણી હારી ગયા અને આંધ્ર પ્રદેશના પોતાના વડવાઓના વતન ઇલ્લુરૂ જઈ બાપ-દાદાની
ખેતીમાં સક્રિય થયા જે એમનું ગમતું કામ હતું. છ વર્ષ પછી 1975માં જયપ્રકાશ નારાયણે તેમને રાજકારણમાં
પુનઃ સક્રિય કર્યા અને દિલ્હી પરત લાવ્યા. ત્યાર પછી રેડ્ડી જનતા પક્ષમાં જોડાયા અને
1977ની લોકસભા ચૂંટણી લડ્યા. નીલમ સંજીવ રેડ્ડીને ડૉ. ઝાકિર હુસૈનના
અવસાનને પગલે આવી પડેલી ચૂંટણીમાં જીત ન મળી. જો કે આગળ ઉપર અન્ય એક રાષ્ટ્રપતિના હોદ્દા
પર રહેતા જ થયેલા દુઃખદ અવસાનને પગલે આવી પડેલી ચૂંટણીમાં, વગર ચૂંટણીએ જ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તેમના માટે કેવી રીતે
ખૂલ્યો તેની વાત કરીશું. પાંચમી ચૂંટણીના પંદરમા ઉમેદવાર હતા ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ. તે
સી.ડી. દેશમુખના / C.D. Deshmukh નામે વધુ જાણીતા હતા. તે આઈ.સી.એસ અધિકારી હતા અને બ્રિટીશ શાસને નીમેલા ભારતીય
રિઝર્વ બેન્કના / Reserve Bank of India પ્રથમ ગવર્નર. જવાહરલાલ નેહરૂના વડપણ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળમાં
નાણાપ્રધાનનો હોદ્દો સંભાળી ચૂકેલા દેશમુખને આ ચૂંટણીની મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં
એક લાખથી વધુ મત મળ્યા હતા પરંતુ બીજી ગણતરીમાં તેમને મળેલા મોટાભાગના પ્રેફરન્સિઅલ
મત સંજીવ રેડ્ડીના ખાતામાં જમા થયા હતા. બન્ને ઉમેદવારો આ ચૂંટણી હારી ગયા એ જુદી વાત
છે.
ડૉ. ફખરુદ્દીન અલી અહમદ |
રાષ્ટ્રપતિપદની છઠ્ઠી ચૂંટણી યોજાઈ 17મી ઓગસ્ટ 1974ના રોજ. નવાઈ
લાગે એવી વાત એ છે કે આમાં માત્ર બે (2) ઉમેદવારો ઊભા રહ્યા હતા. ઇલેક્ટોરલ કૉલિજ બદલાતા આ ચૂંટણીમાં
કુલ મત મૂલ્ય 9,43,309 થયું. ત્રિદીબ ચૌધરી (રિવોલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, પશ્ચિમ બંગાળ, 189196) વિરૂદ્ધ
ડૉ. ફખરૂદ્દીન અલી અહમદ (કોંગ્રેસ, દિલ્હી)ને 7,54,113 મત મળ્યા. ડૉ. અલી / Dr. Fakhruddin Ali Ahmed વિજેતા જાહેર થયા અને દેશના પાંચમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા.
મુખ્ય પ્રતિસ્પર્ધી ત્રિદીબ ચૌધરી / Tridib Chaudhury ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ગોવા મુક્તિ આંદોલનમાં પણ ભાગ
લઈ ચુક્યા હતા. બિનકોંગ્રેસી વિરોધપક્ષના સર્વમાન્ય ઉમેદવાર બન્યા તે સમયે તે લોકસભામાં
પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરતા હતા. દેશના લોકશાહી રાજકારણની ચર્ચા વખતે આજે પણ
જેનો ઉલ્લેખ અનિવાર્ય બની રહ્યો છે, તે કટોકટી / State of Emergency ના ખરડા પર અડધી રાતે મત્તું મારી આપનાર રાષ્ટ્રપતિ તરીકે ડૉ.
ફખરૂદ્દીનને આજે પણ ‘યાદ’ કરવામાં આવે છે. આ કટોકટી 1975થી 1977 દરમ્યાન લાદવામાં આવી હતી.
|
નીલમ સંજીવ રેડ્ડી |
ડૉ. અલીના અણધાર્યા અવસાન પછી
જાહેર થયેલી ઓગસ્ટ 1977માં યોજાનારી સાતમી ચૂંટણી માટે કુલ સાડત્રીસ (37) ઉમેદવારોએ ફોર્મ ભરીને રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જવાની જાણે કે
લાઇન લગાવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તેમાંના છત્રીસ (36) ઉમેદવારોના ફોર્મ રદ થયાં. આમ, જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી /
Neelam Sanjiva Reddy વગર ચૂંટણીએ વિજેતા જાહેર
થયા અને દેશના છઠ્ઠા
રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. અગાઉ જણાવ્યું એમ હોદ્દા પરના
રાષ્ટ્રપતિનું અવસાન થયું અને વગર ચૂંટણીએ તેમને આ પદ મળ્યું. ત્યારે તેમની ઉંમર પાંસઠ
(65) વર્ષની હતી. નોંધવા જેવી બાબત એ
છે કે આટલી ઉંમરે રાષ્ટ્રપતિનો હોદ્દો ગ્રહણ કરનાર રેડ્ડીને આજ સુધીના સૌથી ‘યુવાન’ રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનની જે ટ્રેન સંજીવ રેડ્ડી 1969માં ઇન્દિરા
ગાંધીને કારણે ચૂકી ગયા હતા તે એમને બરાબર આઠ વર્ષ પછી મળી ગઈ. યોગાનુયોગ એવો પણ સર્જાયો
કે કટોકટીને પગલે 1977ની લોકસભા ચૂંટણીઓમાં સત્તા ગુમાવનાર ઇન્દિરા ગાંધી 1980માં ફરી ‘પાવરફુલ’ થયા ત્યારે નીલમ સંજીવ રેડ્ડીએ જ તેમને હોદ્દા અને ગુપ્તતાના
શપથ લેવડાવ્યા.
ગ્યાની ઝૈલ સિંહ |
જુલાઈ 1982માં યોજાયેલી આઠમી ચૂંટણીમાં માત્ર બે (2) ઉમેદવારો ઊભા રહ્યા હતા. કુલ 10,36,798 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં જસ્ટીસ હંસ રાજ ખન્ના (અપક્ષ, પંજાબ, 282685) વિરૂદ્ધ
જ્ઞાની (કોઈ પણ સરદારજીને માનાર્થે આ સંબોધનથી બોલાવવામાં આવે છે, એ સિવાય બીજી કોઈ ગેરસમજ કરવી નહીં.) ઝૈલ સિંહ (કોંગ્રેસ, પંજાબ)ને 7,54,113 મત મળ્યા. જ્ઞાનીજી / Giani Zail Singh વિજેતા જાહેર થયા અને દેશના સાતમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. જ્ઞાનીજી
કદાચ દેશના એવા પહેલા રાષ્ટ્રપતિ હોવાનું બહુમાન ધરાવે છે કે જેમના વિષે અનેક ટુચકાઓ
બન્યા હોય અને રમૂજો પ્રચલિત બની હોય. રાષ્ટ્રપતિપદની ગરિમા કોરાણે મૂકીને તેમણે ‘મેડમ કહે તો ઝાડુ મારવાની તૈયારી’ દેખાડી હતી. જો કે, ઇન્દિરા ગાંધી આ પદની ગરિમા જાણતાં હતાં એટલે
તેમણે જ્ઞાનીજીને એવો મોકો આપ્યો નહીં.
જસ્ટીસ હંસ રાજ ખન્ના
(આઠમી ચૂંટણીના
મુખ્ય પ્રતિસ્પર્ધી) |
જ્ઞાનીજીના મુખ્ય પ્રતિસ્પર્ધી જસ્ટીસ એચ.આર. ખન્ના / Hans Raj Khanna દિલ્હી વડી અદાલતમાં અને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ
રહી ચૂક્યા હતા. કટોકટીને પગલે અટકાયતમાં લઈ આડેધડ જેલમાં પૂરાયેલા લોકોની ભાળ મેળવવા
માટે દેશભરની અદાલતોમાં હેબિયસ કોર્પસ / Habeas Corpus અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આવી એક અરજીની સુનવણી સર્વોચ્ચ
અદાલત / Supreme Court of India
સમક્ષ થઈ. પાંચ સિનિયર ન્યાયાધીશોની
બનેલી બેન્ચ સમક્ષ ચાલેલી સુનવણી દરમિયાન મૂળભૂત માનવ અધિકારોના ભંગ બાબતે જસ્ટીસ ખન્નાએ
બાકીના ચાર ન્યાયાધીશોના મંતવ્યથી વિરૂધ્ધનો મત પ્રગટ કર્યો. આને કારણે જસ્ટીસ ખન્ના
સરકારના અળખામણા થઈ ગયા. એ સમયની સરકારની વ્યાખ્યા એટલે ‘ઇન્દિરા ગાંધી’. ઇન્દિરા ગાંધીએ તેમને સુપરસીડ કરી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના
પદથી વંચિત રાખ્યા. માનભંગ થયેલા જસ્ટીસ ખન્નાએ ન્યાયાધીશના હોદ્દા પરથી રાજીનામું
ધરી દીધું. બહુ અલ્પજીવી નીવડેલી ચૌધરી ચરણસિંહની સરકારમાં કાયદા અને ન્યાય ખાતાના
મંત્રીનો હોદ્દો શોભાવનાર એચ.આર. ખન્ના ચરણસિંહના ટેકાથી રાષ્ટ્રપતિની ચૂંટણીના વિરોધપક્ષના
સર્વસંમત ઉમેદવાર બન્યા. નિર્ભયપણે મંતવ્ય – અભિપ્રાય પ્રકટ કરનાર જસ્ટીસ ખન્નાને બિરદાવતાં
જાણીતા વકીલ નાની પાલખીવાલાએ / Nani Palkhiwala એમ કહ્યું હતું કે તેમની પ્રતિમા
તો દેશની ગલીએ ગલીએ અને ખૂણે ખૂણે મુકાવી જોઇએ.
આર. વેંકટરામન |
જસ્ટીસ વી.આર. કૃષ્ણ ઐયર
(નવમી ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી) |
ડૉ. શંકર દયાલ શર્મા |
જી.જી. સ્વેલ
(દસમી ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી) |
કાકા જોગિન્દર સિંહ
ઉર્ફે ધરતી પકડ |
રામ જેઠમલાણી
|
કે. આર. નારાયણન |
ટી.એન. શેષાન
|
કેપ્ટન લક્ષ્મી સહગલ : કાનપુરના ઘરમાં
|
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ |
ભૈરોંસિંહ શેખાવત
(તેરમી ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી)
|
શ્રીમતી પ્રતિભા પાટીલ |
રાષ્ટ્રપતિપદના પ્રારંભના વર્ષોના ઉમેદવારો જોતાં એમ માનવાનું મન થાય કે ઉપરાષ્ટ્રપતિને
/ Vice-President of India જ આ હોદ્દાની ચૂંટણી માટેના ઉમેદવાર
તરીકે પસંદ કરવામાં આવે છે. જો કે ખરેખર એવું નથી. આજ સુધીના બાર (12)માંથી માત્ર છ (6) ઉપરાષ્ટ્રપતિ જ આ હોદ્દા પર પહોંચી શક્યા છે.
પૂર્ણો સંગમા
|
પ્રણવ મુખરજી
|
(કેપ્ટન લક્ષ્મીની તસવીર : બીરેન અને ઉર્વીશ કોઠારીની કાનપુર મુલાકાત)
(અન્ય તસવીરો: નેટ પરથી.)
I wonder if we really need a President. What does he do anyway? Receive foreign dignitaries from the air port? Sign paychecks for 500 some employees working in his office? It is better to have no President then to put a joker on such a dignified position. -Bharat Trivedi
ReplyDeleteશ્રી બિનીત મોદી આપનો હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિની ચુંટણી વિષેનો લેખ ઘણો માહિતીપ્રદહતો ખુબજ સરસ રીતે બધી વિગતો આપી છે,હિન્દુસ્તાનના રાજકારણમાં આ ચુંટણી ભલે એક ઉંચી ગરિમા ધરાવતી હોય પણ તેના ઉમેદવારોમાં ઘણીવાર આવી કોઈ ઉચ્ચ ગરિમા
ReplyDeleteજાણવામાં આવી નથી અપવાદ રૂપે થોડેક દાખલા છે,તે એક સારી વાત છે,પણ જે રીતે ભદ્ધું ને ગંદુ રાજકારણ ચુંટણીના ઉમેદવારના ટેકેદાર પક્ષો ઉમેદવારી માટે લડે છે તે ચિંતા ઉપજાવે તેવી હકીકત છે.
ના કરે નારાયણ ! અને જો આવીજ ગંદી રમતો આ પદ માટે
લડવાનું ચાલુ રાખશે તો એક સમય આવી જશે કે કોઈ 'ગુંડા,માફિયા'ને પણ આ પદ માટે ચુંટણી લડવાનું પ્રલોભન થશે! અને લુચ્ચા,બદમાશ અને લાંચખોર રાજકારણીઓ આવું કરતા જરાય અચકાશે નહિ,ત્યારે બંધારણને આ લોકો 'ટોઇલેટ પેપર'ની જેમ વાપરવામાં
પાછા નહિ ઉતરે!!
એક વાત ઉમેરતાં જો તમે આ લેખમાં બધાજ પૂર્વ રાષ્ટ્રપતિઓનો તેમના પદના સમયનો વર્ષો અનુસાર કોઠો બનાવી ને મુક્યો હોત તો આવા માહિતીપ્રદ લેખમાં ઔર ઉમેરો થાત.
લેખ બદલ આપને ધન્યવાદ.
let me quote just 2 functions of the President as per the constitution of India :
ReplyDelete1.'the executive power of the Union shall be vested in the president and shall be exercised by him either directly or through officers subordinate to him'
2. 'the supreme command of the Defence Forces of the Union shall be vested in the President'
if he wants to intervene and assert, he can do wonderful things. a lot depends on the person who holds the post. can you remember the days when Election Commission was called paper tiger, but a tough man called Sheshan turned it into a real tiger ?
DEAR NEERAV,
DeleteTHE POWERS VESTED IN THIS POSITION ARE REALLY POWERFUL, BUT WHO CAN USE IT? ALL OUR PRESIDENTS UP TILL NOW,EXCEPT THE FIRST TWO PRESIDENTS HAVE AND ARE WORKING JUST LIKE TOM THUMB OF THE GOVERNMENT AND HENCE THEY ARE CALLED RUBBER STAMP PRESIDENTS.
IT WAS THE FIRST PRESIDENT DR.RAJENDRA PRASAD WHO REFUSED TO ADHERE THE ADVISE/INSTRUCTION OF PRIME MINISTER ON TWO OCCASSION - FIRST AT THE TIME OF DEATH SARDAR PATEL, PM ASKED THE PRESIDENT NO TO GO TO BOMBAY TO ATTEND PATEL'S FURNERAL AND SECOND TIME AT THE TIME OF DEDICATING THE HOLY SOMNATH TEMPLE TO THE NATION. THIS TIME TOO PM ASKED NOT TO ATTEND THE RELIGIOUS FUNCTION, BUT AT THE BOTH TIME DR.PRASAD REMAINED PRESENT AND AT SOMNATH HE DID ALL PUJA AND AARTI. AFTER CHINA WAR, THE ENTIRE CABINET OF THE GOVERNMENT WAS IN THE MOOD TO DROP THE DEFENCE MINISTER MENON,BUT PM WAS NOT IN FAVOUR AND AT THAT TIME THE PRESIDENT DR.RADHAKRISHNAN VERY BOLDLY ASKED HIM TO RESPOND TO THE WISHES OF CABINET AND ULTIMATELY MENON WAS DROPPED FROM THE CABINET. WE NEED SUCH BOLD PERSONS AS PRESIDENT INSTEAD OF LOYAL "ZADU WALAS OR RUBBER STAMPS"
નમસ્કાર બિનીતભાઈ,
ReplyDeleteઆપ ઈ-પત્રથી જાણવા-વાંચવાલાયક સામગ્રી મોકલવા જે જહેમત ઉઠાવો છો તે માટે આપનો આભાર. સમયની તાણ હોવા છતાં આવું સુંદર કાર્ય કરો છો તે આપની નિષ્ઠા બતાવે છે. ફરીથી આભાર વ્યક્ત કરું છું.
મિલન સિંધવ (ગાંધીનગર)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની અઢારમી પોસ્ટ (15 જુલાઈ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
દેશના સર્વોચ્ચ બંધારણીયપદ માટે યોજાઈ ગયેલી ચૌદમી ચૂંટણીના પરિણામ પછી પ્રણવ મુખરજીએ આજે સવારે રાષ્ટ્રપતિપદના શપથ લઈ નવા ઘરનો – ભવનનો કારભાર સંભાળી લીધો છે.
આ વર્ષે જ ફેબ્રુઆરીમાં બ્લોગ લખવાનો પ્રારંભ કર્યા પછી આજ સુધીની આ સૌથી લાંબી અને વાંચવા માટે ધીરજનો ગુણ કેળવવો પડે એવી પોસ્ટ છે. લખતી વખતે મેં ય ધીરજપૂર્વક જ આ વિષય સાથે કામ પાર પાડ્યું. તેના માટેનું સૌથી મોટું ચાલકબળ હતું કોઠારીભાઈઓ (બીરેન અને ઉર્વીશ) તરફથી મળનારો કેપ્ટન લક્ષ્મી સહગલનો ફોટો. આ વિષય પર લખતી વખતે સ્વાભાવિક છે કે થોડી ઘણી વિગતો પોતાની હોય પરંતુ તસવીરો માટે તો સંપૂર્ણપણે મદાર નેટ પર જ રાખવો પડે. જો કે બે ફોટા માટે હું જાત પર મદાર રાખી શકું તેમ હતો. રાષ્ટ્રપતિપદની બારમી ચૂંટણીના ઉમેદવાર ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ સંભવિતોની યાદીમાં પણ નહોતું, તેઓ એ પદ માટેની ઉમેદવારીનો જાહેરમાં ઇન્કાર કરતા હતા ત્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક સભાસંબોધન માટે આવ્યા હતા. સલામતીરક્ષકોથી જોજનો દૂર ડૉ. કલામના થોડા ક્લોઝઅપ મેં એ સમયે લીધા હતા. બીજા તે એમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કેપ્ટન લક્ષ્મી સહગલ. બીરેન – ઉર્વીશ તેમને કાનપુર જઈ મળ્યા હતા એ હકીકતથી હું વાકેફ હતો. એથી વિશેષ કંઈ નહીં.
હા, બીજી હકીકતથી વાકેફ થવું પણ એટલું જ જરૂરી છે. કેપ્ટન લક્ષ્મી સહગલ સોમવાર, 23 જુલાઈ 2012ની સવારે કાનપુરમાં અવસાન પામ્યા છે. તેમનો જીવન આલેખ અને તસવીરી આદરાંજલિ બીરેન કોઠારી – ઉર્વીશ કોઠારીના બ્લોગ પર વાંચી-જોઈ શકો છો. આ રહી એ બન્ને લિન્ક –
http://birenkothari.blogspot.in/2012/07/blog-post_23.html
http://www.urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_24.html
બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 25 જુલાઈ 2012
રાજકીય વનવાસ નહીં પણ લોકોને પૈસે જલ્સા કરવાની સગવડ. પ્રતિભાજીએ શું ઉકાળ્યું ? કેટલા કરોડ પ્રવાસો અને પાર્ટીઓમાં વેડફી નાખ્યા? પ્રણવજી શું કરવાના છે ? નહેરુને રાજાજી સાથે મન મેળ ના હતો ત્યાર પછી 'કહ્યાગરા' નમૂનાઓને જ એ સ્થાને ગોઠવી દેવાનો રિવાજ ચાલે છે! સોનિયાજી અને તેમના મળતીયાઓ હશે ત્યાં સુધી એવું જ ચાલવાનું છે. રાસ્ટ્રપતિ હોય કે ના હોય તેનાથી કશો જ ફરક પાડવાનો નથી
ReplyDeletePRATIBHA WAS REWARDED FOR HER LOYAL SERVICE TO INDIRA AS COOK OF THE KITCHEN. FIRST SHE WAS MADE GOVERNAR OF RAJASTHAN AND THEREAFTER PRESIDENT OF INDIA.
Deleteપ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
18મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 15-07-2012 to 15-07-2013 – 490
બિનીત મોદી (અમદાવાદ)
પ્રિય મિત્રો,
ReplyDelete18મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 15-07-2013 to 15-07-2014 – 90
બિનીત મોદી (અમદાવાદ)